મીડિયા, પ્રજા અને નેતામાં પોલીસ હંમેશા એક ચર્ચાનો વિષય હોય છે. રોજ સવારનું છાપું પોલીસનાં નામ સાથે જ ખુલે છે. દિવસભરમાં પુરા દેશમાં લાખો ઘટનાઓ બનતી હોય છે જેમાં પોલીસ તપાસ કરે છે અને વ્યક્તિની ધરપકડ કરે છે. કેટલીય વખત આપણા વાંચવામાં આવે છે કે પોલીસે કસ્ટડીમાં માર મારતા આરોપીનુ મૃત્યુ થયું, અથવા પોલીસે માર માર્યો અથવા ધરપકડ દરમ્યાન પોલીસ હેરાનગતિ કરે વગેરે વગેરે માનવ અધિકાર ભંગની કેટલીય બાબતો આપણી સામે વારંવાર આવતી હોવા છતાં આપણે કાયદો ન જાણતા હોવાના કારણે ભોગ બનવું પડે છે.

પોલીસ કસ્ટડી દરમ્યાન વારંવાર બનતા પોલીસ અત્યાચારનાં બનાવો રોકવા તેમજ ધરપકડ કરાયેલી વ્યક્તિનાં માનવ અધિકારોનું રક્ષણ કરવામાં સુપ્રિમ કોર્ટ દ્વારા કેટલીક ગાઈડલાઈન આપવામાં આવી છે. D K BaSu V. State of WestBengal નામના એક કેસની સુનાવણી દરમ્યાન સુપ્રિમ કોર્ટે કેટલીક ગાઈડલાઈન નક્કી કરી છે તે ગાઈડલાઈન આ મુજબ છે

1:- ધરપકડ કરનાર અને ધરપકડ થનારની પૂછપરછ કરનાર અધિકારીઓએ પોતાનું નામ, હોદ્દો અને ઓળખ સ્પષ્ટ થાય એ રીતે રહેવું તેમજ જે – જે પોલીસ અધિકારીઓ પૂછપરછ હાથ ધારે તે તમામની રજીસ્ટરમાં નોંધણી કરવી

2:- ધરપકડ કરનાર અધિકારી દ્વારા એરેસ્ટ મેમો તૈયાર કરવો જેમાં ક્યા વ્યક્તિની, ક્યાંથી, કેટલા વાગ્યે, ક્યા ગુનામાં ધરપકડ કરી છે તેનો ઉલ્લેખ કરવો જરૂરી છે તેમજ વ્યક્તિને ધરપકડની તમામ વિગતની જાણ કરી એરેસ્ટ થનાર વ્યક્તિની એરેસ્ટ મેમો ઉપર સહી લેવી.

3:- જે વ્યક્તિની ધરપકડ/અટકાયત કરવામાં આવી હોય તેના સગા-મિત્રો-પરિચિતો અથવા સ્થાનિક જાણકારને વ્યક્તિની ધરપકડ અંગે તમામ જાણકારી આપી, વ્યક્તિને ક્યા રાખવામાં આવેલ છે તેની જાણકારી આપવી જરૂરી છે.

4:- વ્યક્તિની ધરપકડ થયા બાદ જે – તે વ્યક્તિનેનાં રહેઠાણને લાગુ પડતા પોલીસ સ્ટેશને ધરપકડના ૮ થી ૧૨ કલાકની અંદર ધરપકડની તમામ વિગતોની માહિતી આપવી જરૂરી.

5:- ધરપકડ કે અટકાયતમાં લેવામાં આવેલ વ્યક્તિને પોલીસ દ્વારા તેના કાયદાકીય અધિકારોની માહિતી આપવાની ફરજ છે.

6:- વ્યક્તિની ધરપકડની નોંધ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવશે અને વ્યક્તિની ધરપકડ અંગે કોને જાણ કરવામાં આવી તેમજ વ્યક્તિ ક્યા અધિકારીની કસ્ટડીમાં છે તે નોંધ કરવી જરૂરી છે.

7:- ધરપકડ થનાર વ્યક્તિ ઇચ્છા રજુ કરે તો પોલીસે તેની શારીરિક તપાસ કરવી જોઈએ અને ધરપકડ સમયે શરીર ઉપર જે – જે ઈજાઓ હોય તે તમામ રેકર્ડ ઉપર નોંધવું જોઈએ અને એક નિરિક્ષણ મેમો બનાવી તેમાં તમામ નોંધ કરવી જોઈએ અને આ નિરીક્ષણ મેમો ઉપર પોલીસ અને ધરપકડ થનાર વ્યક્તિની સહી કરી એક નકલ ધરપકડ થનારને આપવાની રહે.

8:- ધરપકડ કરાયેલ વ્યક્તિ જ્યાં સુધી પોલીસ કસ્ટડીમાં રહે ત્યાં સુધી દર ૪૮ કલાકે મેડીકલ સારવાર કરાવવી જરૂરી છે.

9:- એરેસ્ટ મેમો અને મેડીકલ તપાસના કાગળો સહિતના તમામ કાગળો મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ કરવા.

10:- પોલીસ કસ્ટડી દરમ્યાન આરોપીને તેના વકીલને મળવાની છૂટ આપવામાં આવશે.

આમ, સુપ્રિમ કોર્ટની ગાઈડલાઇન મુજબ આરોપીના આટલા અધિકારોનું પોલીસે રક્ષણ કરવું જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here