ગુજરાતનું દેવું, ગુજરાતની સદ્ધરતા: આ વર્ષે સરકાર વધુ રૂપિયા 42929 કરોડનું દેવું કરશે

ગુજરાત સરકારે રૂપિયા બે લાખ કરોડથી વધુનું બજેટ જાહેર કર્યું છે. તેમાં નાણામંત્રી નીતિન પટેલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે વર્ષ દરમ્યાન વિકાસ લક્ષી ખર્ચ પાછળ જ સરકાર તેના બજેટનો મોટો ખર્ચ કરશે. એટલે કે 127560 કરોડ રૂપિયા વિવિધ વિકાસ લક્ષી યોજના પાછળ ખર્ચાશે. જ્યારે બિન વિકાસલક્ષી ખર્ચ પાછળ 56659 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. જ્યારે રૂપિયા 16591 કરોડ જાહેર દેવાની ચુકવણી માટે થશે. આશ્ચર્યની વાત એ છે કે ગુજરાત સરકારે આ વર્ષે 42929 કરોડ રૂપિયાનું નવું જાહેર દેવું ઊભું કરશે. આ રકમ વિવિધ મોટા પ્રોજેક્ટો પાછળ ખર્ચાશે. 

બજેટના સંદર્ભમાં નાણામંત્રીએ યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં નાણાં ખાતાના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલે જણાવ્યું કે 27.10 ટકાની મર્યાદાની સામે ગુજરાતનું કુલ જાહેર દેવું 2017-2018માં GSDPના 16.17 ટકા હતું. જ્યારે વર્ષ 2018- 2019 ના સુધારેલા અંદાજે મુજબ આ દેવું 16.03% છે. જ્યારે 2019- 2020 ના અંદાજ મુજબ જાહેર દેવું 15.69 ટકા જેટલું રહેશે. અરવિંદ અગ્રવાલે એવો દાવો કર્યો છે કે ગુજરાત પ્રગતિશીલ રાજ્ય છે તેમજ ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે દેવાની રકમમાં ઘટાડો થયો છે.

ગુજરાતનું દેવું, ગુજરાતની સદ્ધરતા

ઘરગથ્થુ ઉત્પાદનને આધારે તેમજ રાજ્યની કેટલી પ્રગતિ છે તેનો આધાર લઈને દેવું કરવામાં આવે છે. હાલમાં જે દેવું છે તે ગુજરાતની સદ્ધરતા બતાવે છે. બીજી બાજુ નાણામંત્રી જણાવે છે કે જાહેર દેવાંની ચૂકવણીમાં ગુજરાતે ક્યારેય ચુક કરી નથી. સરકારના અસરકારક નાણાકીય સંચાલન અને કુશળ નાણાકીય વ્યવસ્થાને કારણે છેલ્લા 15 નાણાકીય વર્ષથી હજુ સુધીમાં એક પણ ઓવરડ્રાફ્ટ લીધો નથી. 

તેમજ છેલ્લા 14 નાણાકીય વર્ષથી આજ દિન સુધી સાધનોપાય પેશગી લીધી નથી. ગુજરાતમાં જાહેર દેવા અંગેનો ખર્ચ 2004માં પણ 10.79 ટકા હતો. જે ઘટીને 2017માં 8.60 ટકા થયો હતો અને 2018-19 માં તે 8.53 થવાની અપેક્ષા છે. બજેટની અંદર તમામ બાબતો ખૂબ જ ઝીણવટ પૂર્વક આપવામાં આવી છે પરંતુ ગુજરાત સરકાર પર ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કેટલી રકમનું દેવું છે તેની કોઈ જ સ્પષ્ટતા આપવામાં આવી નથી. બીજા અર્થમાં એવું કહી શકાય કે જાહેર દેવાની રકમ સરકાર છુપાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social media & sharing icons powered by UltimatelySocial